Ekantik Dharmakhyan
વૈદિક સનાતન ધર્મની ગરજ સારતા સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ ઉદ્ધવ સંપ્રદાય છે. ભાગવતધર્મના પ્રવર્તન અર્થે ભગવાન શ્રીકૃષ્ણના વચન અનુસાર ઉદ્વવાવતાર સદ્ગુરૂ રામાનંદ સ્વામીએ તેની સ્થાપના કરેલ. એ જ અરસામાં સત્શાસ્ત્રના વચનોને સત્ય કરવા પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ઉત્તરપ્રદેશમાં અયોધ્યા પાસેના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રાગટ્ય થયું. ધર્મદેવ અને ભક્તિમાતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. માતપિતાની અંતિમ ભલામણ મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ ગૃહત્યાગ કરીને નીલકંઠવર્ણી વેશે વનવિચરણ કરતા સૌરાષ્ટ્રમાં લોજ ગામમાં રામાનંદ સ્વામીના આશ્રમે આવીને રહ્યા હતા. ગુરૂ થકી પીપલાણામાં ભાગવતી દીક્ષા પામીને સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ ધારણ કરેલ. સમર્થ ગુરૂ રામાનંદ સ્વામી તેઓને ઓળખી ગયા કે આ તો સ્વયં શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ નારાયણ પધાર્યા છે. આથી પોતાની ધર્મધુરા જેતપુરમાં શ્રી સહજાનંદ સ્વામીને સોંપીને પોતે પોતાનું અવતરણકાર્ય પૂર્ણ કરી ફરેણીમાં જ અંતર્ધાન થયા. શ્રી સહજાનંદ સ્વામીએ ભક્તજનોને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો તથા સમાધી પ્રકરણ દ્વારા ઠેરઠેર પોતાના એ દિવ્ય સ્વરૂપની ઓળખ આપી. દેવ, મંદિર, આચાર્ય, સાધુ, સત્શાસ્ત્ર અને હરિભક્ત એમ ષડંગી સંપ્રદાયનું બંધારણ રચીને પંચવર્તમાનની મર્યાદાયુક્ત એકાંતિક ભાગવતધર્મનું સ્થાપન કર્યું. ત્યારબાદ નંદસંતો, દાસ સંતો અને સત્શાસ્ત્ર દ્વારા તેનું સતત પોષણ પ્રવર્તન થતું રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં રહીને પોતાની વાણીસ્વરૂપ શિક્ષાપત્રી આપી તથા શ્રીહરિકૃષ્ણ મહારાજ રૂપે પોતાના દિવ્ય સ્વરૂપની પ્રતિષ્ઠા કરી. એ જ રીતે વડતાલમાં ઉત્સવ સમૈયા પ્રસંગે શ્રીહરિએ ભક્તજનોને પ્રબોધેલ એકાંતિક ધર્મોપદેશનું આ ગ્રંથમાં `એકાંતિક ધર્માખ્યાન' નામે સંકલન કરવામાં આવ્યું છે, જે મનુષ્ય માત્ર માટે અનુસરવા યોગ્ય છે. આ એકાંતિક ધર્માખ્યાન એ મૂળ હરિલીલાકલ્પતરૂ ગ્રંથનો જ એક ભાગ છે. ગ્રંથના સાતમા સ્કંધના અધ્યાય 36 થી 65 એમ ત્રીશેક અધ્યાયમાં તેનો સમાવેશ થયેલો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એકાંતિકી ભક્તિ જીવના હૃદયમાં પ્રગટે અને તે આત્યંતિક કલ્યાણને પામે એવો ગ્રંથકર્તાનો ઉદ્દેશ રહેલો છે. આ માટે તે ચારેય સદ્ગુણો આ ગ્રંથમાં જે તે રૂપકકથાઓ દ્વારા ક્રમશઃ વર્ણવ્યા છે. આ ભવાટવીમાં ભમતા જીવાત્માને જ્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પોતાના મોક્ષનો ઉપાય સાધી શકે છે. પોતાના આત્માનો ઉદ્ધાર પોતાના દ્વારા જ એટલે કે પોતાના આત્માના વિચાર દ્વારા થાય છે. જીવશર્માના રૂપક દ્વારા તેની રીત સમજાવવામાં આવી છે. પોતે પોતાનો ગુરૂ થાય તો જ જીવાત્માના ઉદ્ધારની આ વાત શક્ય બને એમ તેનો સાર જણાય છે. જ્ઞાન અને ધ્યાનરૂપી એ બે મિત્રો જીવાત્માને તે માટે મદદ કરે છે. જીવાત્મા જ્યારે પોતાની ખેપટ ખંખેરીને ભગવાન અને સત્પુરૂષનું શરણ સ્વીકારે છે ત્યારે તેને અનાદિ કાળથી વળગેલા પાપકર્મો અને તેના સ્વભાવોની નિવૃત્તિ થાય છે. સત્પુરૂષના સત્સંગ દ્વારા જ્યારે જીવાત્માને ભગવાન શ્રીહરિના દિવ્ય સ્વરૂપનો નિશ્ચય થાય અને મહિમા સમજાય છે ત્યારે તેને ઈંદ્રિયો, અંતઃકરણ અને પંચવિષય રૂપી માયાનું બંધન દૂર થાય છે તથા તેની આંત્યતિકી મુક્તિ થાય છે. આ આંત્યતિકી મુક્તિના દ્વાર ખોલવા માટે આ ગ્રંથમાં ક્રમશઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ થયું છે. પ્રથમના પાંચ અધ્યાયોમાં ધર્મની મહત્તા અને લક્ષણો વર્ણવ્યા છે. ત્યારપછી ત્રણ અધ્યાયોમાં લોભ, કામ, માન, સ્નેહ અને સ્વાદ એ પાંચ દોષોના સ્વરૂપોનું યથાર્થ નિરૂપણ કર્યું છે. પછીના ત્રણ અધ્યાયોમાં ભગવાન શ્રીહરિએ આપેલ મોક્ષ સંબંધી ઉપદેશનું સંકલન કરવામાં આવ્યું છે. બે અધ્યાયોમાં સનાતન નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનો ભારોભર મહિમા અને મહત્તા વર્ણવી છે. દશેક અધ્યાયમાં સાંખ્યજ્ઞાનનું નિરૂપણ જીવશર્માના રૂપક દ્વારા વર્ણવાયું છે. તેમાં જીવાત્માના મિત્ર જ્ઞાન અને ધ્યાનનું નિરૂપણ, જીવાત્માને વળગેલા બુદ્ધિ આદિ 24 તત્ત્વોનાં સ્વરૂપનું નિરૂપણ, યમપુરીમાં પાપીઓને દંડાતા નરકના 28 કુંડોનું વર્ણન અને તેની નિવૃત્તિને અર્થે સાંખ્યજ્ઞાનનો ઉપદેશ, વૈરાગ્યની દૃઢતાને અર્થે શરીર અને તેની અવસ્થાના દોષોનું નિરૂપણ, ભગવાનની ભક્તિનો મહિમા અને અંતમાં મોક્ષ પ્રાપ્તિનું નિરૂપણ કર્યું છે. પરમપૂજ્ય ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે સંસ્થાના સાહિત્ય પ્રકાશન દ્વારા સાધુ રસિકવલ્લભદાસજી તથા સહયોગી સંતો ભકતજનો દ્વારા આ ગ્રંથનું સંકલન થયું છે. પ.ભ. રમણીકભાઈ રૂપારેલિયા સાહેબે તેના પ્રુફ તપાસ્યા છે. ભગવાન શ્રીહરિ આ પ્રકાશનમાં યોગદાન આપનાર સહુ કોઈ ઉપર પ્રસન્ન થાય એ જ અભ્યર્થના..
Variants (1)
- Default Title — 50.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.